Delhi Airport Emergency: Delhi Swiss Air Airport Emergency: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર રવિવારે વહેલી સવારે એક ભયાનક વિમાની અકસ્માત થતા રહી ગયો હતો. જ્યુરિખ જઈ રહેલા સ્વિસ એરના વિમાનના લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતા જોતા જ પાયલટે રનવે પર જ ટેક-ઓફ અટકાવી દીધું હતું. આ ઘટના બાદ એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
પાયલટની સૂઝબૂઝથી બચ્યો જીવ
વિમાન જ્યારે રનવે પર ઉડાન ભરવા માટે દોડી રહ્યું હતું, ત્યારે અચાનક લેફ્ટ લેન્ડિંગ ગિયરમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાયો હતો. પાયલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઇમરજન્સી બ્રેક લગાવી ટેક-ઓફ રદ કર્યું હતું. વિમાનમાં કુલ 232 લોકો સવાર હતા, જેમને તાત્કાલિક બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
સ્લાઇડરથી મુસાફરોનું રેસ્ક્યુ, 4 ઘાયલ
વિમાનના તમામ 7 ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા અને મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડર (સીડી) દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. આ અફરાતફરીમાં 4 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના 227 મુસાફરોને સુરક્ષિત રીતે રિસેપ્શન સેન્ટરમાં ખસેડાયા છે.
તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ફાયર ટેન્ડરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડાયલ દ્વારા ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટર અને મલ્ટી એજન્સી રિસ્પોન્સ ટીમને સક્રિય કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ ખામી હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે DGCA દ્વારા તેની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : 1 કલાકમાં સરેરાશ 5% મતદાન, ગોધરામાં મતદાન મથકે આગ, અનેક જગ્યાએ EVM ખોટકાયાં
તંત્ર એલર્ટ મોડમાં
આ ગંભીર બેદરકારી અથવા ટેકનિકલ ખામી અંગે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને એરપોર્ટ ટર્મિનલ પર ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે દિલ્હી એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ્સના શિડ્યુલ પર પણ થોડી અસર પડી હતી.
